Popular Posts

Saturday, April 20, 2019

ગાંધીવાદી અને ગાંધીગીરી

 
હાલમાં ભારતીય કોંસલાવાસ મેલબોર્ન ખાતે યોજાયેલ " મહાત્મા ગાંધીનું પરિવર્તન આણતું નેતૃત્વ અને સમકાલીન વિશ્વમાં તેની સુસંગતતા" પ્રવચનમાં હાજર રહ્યો. બીજા હાજર ભારતીય મૂળના વ્યક્તિઓ ની પાંખી હાજરી અને ઉદાસીન વાતાવરણે મારા મનમાં અમુક પ્રશ્ન સર્જ્યા.
૧.શું ગાંધી માત્ર અનુત્સાહિત ઉજવણી માટેનું કારણ માત્ર છે?
૨. શું ગાંધી ખરેખર સાંપ્રત સમયમાં સુસંગત છે?
 અને સૌથી અગત્યનો પ્રશ્ન
૩. શું આપણે ખરેખર ગાંધીને જાણીયે છીએ?

પહેલા તો એ સ્પષ્ટ કરી દઉં કે હું ગાંધી નો દરેક વિષયમાં પ્રશંસક નથી. ખરેખર તો ગાંધી વિશે કાઇપણ કહેવા ની મારી લાયકાત જ નથી. અહીં માત્ર એટલુજ કહું છું કે ગાંધી સાહિત્ય નો થોડોઘણો અભ્યાસ અને ઘરના વાતાવરણથી જે પણ ગાંધી ને જાણ્યા તે મુજબ તેમના વ્યક્તિત્વ ના કેટલાક ગુણો નો પ્રશંસક ( હાલ ના માહોલ મુજબ ભક્ત) અને કેટલાક કાર્યો નો ટીકાકાર બન્યો. ધ્યાન રાખજો ગાંધી ના કોઈ પણ ગુણ ની ટીકા મારા માટે શક્ય નથી અને કાર્યો મા સૌથી વધું અસર તત્કાલીન સંજોગો ભજવે છે તેથી મારી સમજણ મુજબ તે ક્ષણનું આકલન કરી મને ગાંધી અમુક નિર્ણયોમાં ખોટા લાગ્યા છે. ખોટા ખરા પણ જૂઠા નહિ.

ગાંધી માનવ ઇતિહાસ ના પહેલા એવા નેતા કે જેણે વિવિધ વિષયોમાં પોતાનાથી વધુ કાબેલ વ્યક્તિઓને પોતાના અનુયાયી બનાવ્યા અને એ સૌએ ગાંધીનું નેતૃત્વ સ્વીકાર્યું. ગાંધીવાદીઓ ની જાણ ખાતર
 નેહરુ વિદેશસંબંધ , સરદાર વ્યવસ્થાપન અને રાજાજી ન્યાય શાસ્ત્ર માં ગાંધીથી વધુ પ્રવીણ હતા.
તેથીજ દરેક ગાંધી વિરોધીને મારો એકજ પ્રશ્ન હોય છે અને એનો આજદિન સુધી ઉત્તર કોઈ ગાંધીવાદી કે ગાંધીવિરોધી  આપી શક્યો નથી ( મારા દાદા સિવાય!).
કે એવું તે કેવું વ્યક્તિત્વ કે વિવિધવિષય ના તજજ્ઞો તમારું નેતૃત્વ સ્વીકારે?
મારા દાદાનો જવાબ " ગાંધી જીવન વાદી નહિ ગીરી મુજબનું જીવ્યા"
વાદી અને ગીરી માં ફરક એટલો કે "વાદી" આંખો મીચી ને એકજ વિચાર મુજબ જીવન જીવે જ્યારે "ગીરી" સિદ્ધાંત ના મૂળ છેડ્યા વગર કર્યો માં વિવિધતા લાવે. તેથીજ ખાદીધારી ગાંધીવાદીઓ કરતા jeans ધારી મુન્નાભાઈ સાંપ્રત સમયમાં ગાંધી ને વધુ સુસંગત બનાવી શક્યા.

કેટલાક ગાંધી ગુણ જે મને ગાંધીવાદી ઓ ના કહેવાતા "ગાંધીના રસ્તે જીવન" મા ક્યારેય દેખાયા નથી.
 ૧.  રમૂજ:
  સરેરાશ ગાંધીવાદી (સુરતી બોલી મુજબ ) ચઢેલા મોઢે જીવે. કોઈ ગાંધીવાદી ખડખડાટ હસતો મને દેખાયો નથી. એ હસે ક્યાંતો દંભમાં ક્યાં ખંધુ.
જ્યારે ગાંધી એ કરેલી મજાક આજે પણ સ્મિત રેલાવી દે.
ગાંધી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા પહોંચ્યા ત્યારે લંડન ની ઠંડીમાં પણ પોતડી અને ચાદર ઓઢેલાજ  હતા. જ્યારે ઉદઘાટન કરતા પંચમ જયોર્જ શિરસ્તા મુજબ ના પોશાકમાં!
પત્રકારો એ ગાંધી ને પૂછ્યું " તમને ઠંડી નથી લાગતી?"
ગાંધી નો સીધો દંભવિહીન જવાબ " મહારાજે બન્ને ને ચાલે એટલા લૂગડાં ઓઢ્યા છે."

આજનો ગાંધીવાદી જવાબ આપે " મારા દેશનો ગરીબ ઠંડીમાં જીવતો હોય તો મને લૂગડાં ના પાલવે" વિશ્વાસ ના આવ્યો હોય તો તમેજ પૂછી જોજો.

 ૨. પરિવર્તનશીલ જીવન
  ઉપર નોંધેલ પ્રવચન કર્તા ને જ્યારે વ્યક્તિગત રીતે મળ્યો ત્યારે મારી કફની ને સ્પર્શી ને એમણે કહ્યું " आप खादी नहीं पहनते?"
ગાંધી મુજબ મને જવાબ આપવા મન થયું પણ એટલી નિખાલસતા હજુ સુધી આવી નથી. કે " મારા ભાગની ખાદી બીજા ગાંધીવાદીઓ પહેરી ફરી રહ્યા છે"
 ગાંધીયુગ ક્યાંતો ગાંધીનો જમાનો આધુનિક કહેવાતો ત્યારે તે સમયની કેટલીય પરંપરા ને ગાંધીજી અતિક્રમી ગયા. દરિયોના ઓળંગવા જેવી ભારતીય થી માંડી ને પ્રથમ દર્જા ના રેલવે કોચમાં મુસાફરી ના થાય એવી બ્રિટિશ!
ગાંધી ની ખાદી અને રેંટિયો ખરી રીતે જોતાં સ્વદેશી ના પ્રતિક હતા. મારા ગાંધી જ્ઞાન મુજબ આજે જો ગાંધી અવતરે તો મલબાર ની સિંગલ ઑરિજિન અરેબિકા કૉફીની ચૂસ્કીઓ લેતા લેતા બેંગલુરુમાં અસેમ્બલ થયેલ iPhone ૭ પર હાલમાં પ્રચલિત સ્ટેન્ડ અપ કોમેડિયન ના શો જોતાં પણ હોય અને શ્રેષ્ઠ ટ્વીટર યુઝર પણ હોય. (આ વિષયે કોઈ પણ શંકા ગાંધી જીવન ના ઉદાહરણો ટાંકી ને દૂર કરી શકીશ એવું મારું માનવું છે.)
ગાંધી એ બૅરિસ્ટર તરીકે સુટ પણ પહેર્યા અને ભારત આવી પાઘડી અને ધોતિયા પણ પહેર્યા. ગાંધી નો વસ્ત્રત્યાગ બધાને દેખાય પણ આફ્રિકા થી આવી ધોતિયા કેમ પહેર્યા એનો જવાબ કોઈ ના આપે. ગાંધી હંમેશા બદલાયા. પોતાને લોકો વચ્ચે પ્રાસંગિક બનાવવા દરેક બદલાવો લીધા પણ તે બધા ખુલ્લા દિલે અને દંભ વગર.
આજના ગાંધી વાદી ઓ ને પૂછવું કે તમે ખાદી પેહરી ખરી પણ તેને સમકાલીન વિશ્વ માં પ્રચલિત બનાવવા તમે શું કર્યું? આજનો યુવાન લીનન ના નામે ખાદી પેહરી ફેસબૂક પર ફોટા અપલોડ કરે જ છે પણ એને એ ખ્યાલ નથી કે આજ ખાદી ની વકીલાત બૅરિસ્ટર ગાંધી કરતા.

 આવા ઘણા ઉદાહરણો છે કે આંધળા ગાંધીવાદ કરતા દિલથી ઉદભવેલી આધુનિક ગાંધીગીરી ઘણી વધુ પ્રાસંગિક અને અને ખરેખર તો ગાંધીને એમની દોઢસો મી જન્મતિથિ વખતે ખરી શ્રદ્ધાંજલિ બની શકે.

ગાંધીગીરી ઝિંદાબાદ!

સુષેણ દેસાઈ