કોરોના અને મહાભારત.
"धर्मे च अर्थे च कामे च मोक्षे च भरतर्षभ।
यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न तत् क्वचित् ।।"
અર્થાત્ ધર્મ, અર્થ , કામ અને મોક્ષ ને લગતું જે પણ મહાભારત માં છે એ અન્યત્ર છે. પણ જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી.
આ મુજબ આપણી આસપાસ ઘટતી દરેક ઘટના પ્રતિકાત્મક રૂપે મહાભારત માં વર્ણિત હોવી જોઈએ. આ લખી રહ્યો છું ત્યારે , કોરોના નામનો અજગર યુરોપ વટાવી અમેરિકી દેશો નો ભરડો લઈ ચૂક્યો છે. ચીનના કહેવા મુજબ તે એમાંથી ઉગરી ગયું છે. બીજા અગ્નિ એશિયા માં દેશો અખબારી સમાચારો માં વાહવાહી વટાવી હાલ મુજબ તો કમરડૂબ કળણ માં ખૂંપેલા છે.
દાત. સિંગાપોર ૨૩૦૦ કેસ અને ૮ મૃતકો , દક્ષિણ કોરિયા ૧૦૫૦૦ કેસ અને ૨૧૪ મૃતકો. આ બંને ને અખબારો એ એટલા વખાણ્યા જાણે તેમણે કોરોના ને પરાસ્ત કરીજ દીધો હોય. કેટલેક અંશે એ તો ભારત માટેય થયું. બધા ભૂલ્યા કે ચીનમાં પહેલો કેસ છેક ડિસેમ્બર માં નોધાયો. (એટલેજ માનવ ખુવારી ૨૦૨૦ની પણ બીમારીનું નામ covid ૧૯ ). તે ચીનમાં ચરમસીમા ફેબ્રુઆરી ના શરૂઆતી દિવસોમાં આવી. કળણની જેમ સમય સાથે વધુ ઊંડે ખેંચી જતો અને ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વિસ્તરતો આ વાયરસ નાનકડા છીંડા માંથી પણ નીકળી પુષ્કળ કુપ્રભાવ ફેલાવે છે. ગમે એવા લોકડાઉન છતાં થોડા છીંડા સ્વાભાવિક છે. એટલેજ ભારત જેવા દેશો કોરોના હટાવવા કરતા તેને વધતો અટકાવવા ના પ્રયાસમાં લાગેલા છે. જે હાલ મુજબ એક માત્ર રસ્તો છે. કેમ ? તો એનો જવાબ મહાભારત આપે છે......
મહાભારત માં અભિમન્યુ હત્યા અને તે પછી જયદ્રથ વધની ઘટના ઘણી લોકપ્રિય છે. ટૂંકમાં જણાવી દઉં ( ગેમ ઓફ થ્રોન ના રવાડે ચડેલા આપણે થ્રોન ઓફ હસ્તિનાપુર વિશે નહિ પણ જાણતા હોઈએ ) મહાભારત ના દ્રોણ પર્વ માં ઉલ્લેખિત આ કથા આ મુજબ છે.
અભિમન્યુ હત્યા - દુર્યોધન દ્રોણ ને યુધિષ્ઠિર ને બંદી બનાવવાની રણનીતિ ઘડવા જણાવે છે. પણ અર્જુન યુધિષ્ઠિર પાસે હોય તો એ શક્ય બને એમ નથી. આથી ત્રીગર્ત ના રાજા ને દુર્યોધન કહે છે કે તમે અર્જુન ને યુધિષ્ઠિર થી દુર લઇ જાવ. ત્યાં સુધીમાં ચક્રવ્યૂહ રચી અમે યુધિષ્ઠિર ને પકડી લઈશું. વાત એમ બની કે અભિમન્યુ એમાંથી પોતાના પ્રાણ ત્યાગીને યુધિષ્ઠિર ને બચાવી લે છે. આખી કૌરવોની યોજના પડી ભાંગે છે. પણ પાંડવ પક્ષે જેવીતેવી કુરબાની નથી આપી. લગભગ ભવિષ્યના રાજા જેવો અભિમન્યુ ગુમાવ્યો.
કોરોના સાથે પ્રતિકાત્મક સંબંધ - અભિમન્યુ એટલે કોરોના ના ચક્રવ્યૂહમાં યુધિષ્ઠિર રૂપી દેશને બચાવવા આપણે આપેલો અર્થતંત્ર નો ભોગ. એ ભોગ જેવોતેવો નથી. આ અભિમન્યુના પિતા અર્જુન એટલેકે નાના - મોટા વેપારી , મોટા ઉદ્યોગપતિઓ ઘણા નારાજ થશે. પણ જો યુધિષ્ઠીર રૂપી દેશ જો બંદી બની જાય તો ધર્મયુદ્ધ માં અધર્મ નો વિજય થાય. એટલે આ ભોગ આપણે સૌએ આપ્યેજ છૂટકો.
જયદ્રથ વધ - અભિમન્યુ ને બચાવવા નીકળેલા પાંડવો ને રોકી રાખનાર જયદ્રથ. એટલે અર્જુને તેને સૌથી મુખ્ય કારણ ગણ્યો એના પુત્રની હત્યાનો. એણે જયદ્રથ વધની પ્રતિજ્ઞા લીધી. જયદ્રથને આજની ભાષામાં લૉકડાઉન કરાયો. કહેવાયું કે સૂર્યાસ્ત સુધી આમજ રહેજે. કારણકે સૂર્યાસ્ત પછી અર્જુન અગ્નિમાં પ્રવેશી જશે ( પ્રતિજ્ઞા મુજબ). લગભગ સૂર્યાસ્ત ના સમયે કૃષ્ણે માયા થી સૂર્યાસ્ત થઈ ગયો એવું વાતાવરણ રચ્યું. ગેલમાં આવી ગયેલો જયદ્રથ બહાર નીકળ્યો. તરત કૃષ્ણે માયા દૂર કરી. સૂર્ય આથમવા આડે હજુ કેટલીક ઘડી બાકી હતી. અર્જુને બાણ છોડ્યું અને જયદ્રથ હણાયો. આખા દિવસ દરમ્યાન અર્જુન તકલીફ માં હતો. કોઈ રીતે જયદ્રથ સુધી પહોંચાય એવું ન્હોતું. પણ જયદ્રથ ની ઉતાવળે એનો જીવ લીધો.
કોરોના સાથે પ્રતિકાત્મક સંબંધ - અર્જુન જેવો વેગવાન કોરોના એના માર્ગમાં આવનાર કોઈને છોડે એમ નથી. એને રોકનાર કોઈ રસી નથી. એક માત્ર ઉપાય આપણે જયદ્રથ ની જેમ સંતાયેલા રહેવાનું. એક વાર એનું જોમ ઉતરી જાય એટલે આખું યુદ્ધ જીતી જઈશું. હવે ઉપર ના પ્રશ્ન નો ઉત્તર. સિંગાપોર, દક્ષિણ કોરિયા બંને એ કૌરવોની જેમ અર્જુન રૂપી કોરોના ને હંફાવી દીધો. પણ સૂર્યાસ્ત ની રાહ જોયા વગર મેદાન માં આવી ગયા. લગભગ જીતેલી બાજી હાર્યા. ( તા.ક. ચીન પણ એજ રસ્તે છે).
આપણે આવું નહિ કરીએ, તો જરૂર બચી જવાના.
- સુષેણ વાસવભાઈ
No comments:
Post a Comment