Popular Posts

Tuesday, June 2, 2020

સત્તા પક્ષ , વિપક્ષ અને સંસદ

૧૯૪૬ , ડિસેમ્બર ૬ એ ગઠિત સંવિધાન સભાના સભ્યોની પ્રલંબ   ચર્ચાઓ, શ્રી સર બેનેગલ નરસિં રાઉ ના અમૂલ્ય દિશાનિર્દેશ,  શ્રી સુરેન્દ્ર નાથ મુકરજી ના અથાગ પરિશ્રમ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ના કુશળ નેતૃત્વ થકી ભારતીય ગણરાજ્ય રૂપી આ દેશ ને એનું સંવિધાન મળ્યું. એ બંધારણના રૂપે આપને બ્રિટિશ વેસ્ટમિન્સ્ટર પદ્ધતિની સરકારોની કાર્યવાહી અપનાવી.

અનેક લોકસભા ક્ષેત્રમાંથી ચૂંટાયેલ જન પ્રતિનિધિ પોતાના નેતા તરીકે વડાપ્રધાન ચૂંટે અને એ પોતાની કેન્દ્રીય મંત્રીમંડળની રચના કરે. વિપક્ષ રચનાત્મક ભૂમિકા માં રહી સત્તપક્ષની દરેક નીતિ ને બુદ્ધિના ત્રાજવે દેશહિત સર્વોપરિ માની ને જોખે. અત્યંત પ્રભાવશાળી અને શ્રેષ્ઠ જણાતી આ પદ્ધતિ ભારતીય સંસદે દિશાવિહીન બનાવી.

જ્યારે જ્યારે દેશમાં ભારે બહુમતીથી સરકારો બની ત્યારે ત્યારે વિપક્ષ બિન - અસરદાર રહ્યો.  એ માટે બે મુખ્ય કારણો છે. પહેલું કે ભારે બહુમતી ના જોરે સત્તાધારી પક્ષ દરેક ખરડા ને કાયદા મા રૂપાંતરિત કરી શક્યું. બીજું કે વિપક્ષ તર્કસંગત ચર્ચા ને બદલે વિરોધપક્ષ માત્ર બની રહ્યો. ઉદાહરણ તરીકે હાલમાં કોરોના સામેની લડાઈમાં સરકારે અપનાવેલા પગલાં નો વિપક્ષે વિરોધ કર્યો પણ એમના મતે કયા પગલાં અસરકારક નીવડે તેનો એ વિરોધમાં લેશમાત્ર અંશ નહિ. પ્રજા એ જો આજની સરકારને મુલવવી હોય તો એ ક્યાં માપદંડ થી મૂલવે? શું કોઈ પણ સરકારી નીતિ સામે વિપક્ષ ની નીતિ છે? ટુંકમાં આપણે માત્ર આરોપ - પ્રત્યારોપ ની રાજનીતિ નો શિકાર બન્યા.

ઉલ્ટું જ્યારે જ્યારે સરકારો પાતળી બહુમતીથી કે ગઠબંધનથી બની ત્યારે ત્યારે ( અમુક અપવાદો ને બાદ કરતાં) અનિર્ણાયક બની. સરકાર માટે દેશહિત કરતાં સત્તાસ્થાને બિરાજી રહેવું વધુ જરૂરી બન્યું. કારણ વિરોધ પોતાની વોટ બેન્ક જાળવી રાખવા કરાયો. કોઈ રચનાત્મક કે નીતિગત આલોચના નહિ પણ માત્ર કોરો વિરોધ. વિપક્ષ ના લોકસભા સભ્યો એ સદંતર ભૂલે છે કે એ પોતે ચૂંટાઈને આવ્યા છે અને એ પણ કંઈ નહિ તો એમના મતવિસ્તાર ના નાગરિકો પ્રત્યે જવાબદાર છે. 

સંસદ માં થતી ચર્ચાઓ કરતાં જનમાનસ પર ટીવી પર ની ચર્ચા ઓ વધુ અસર જન્માવે છે. પણ ટીવી પર પોતાના પક્ષનો વિચાર પ્રસ્તુત કરતો વ્યક્તિ કોઈ બિંદુવાર આલોચના કરી શકતો નથી. કારણકે વિપક્ષ પોતાના કોઈ નેતા ને - જે એ વિષયમાં તજજ્ઞ હોય એને પ્રતીનિતી રજૂ કરવા આગળ કરતો નથી. એથીજ કુમાર વિશ્વાસ ના શબ્દો માં " ગરીબીની રેખા ની ચર્ચા , રેખાની ગરીબી સુધી પહોંચી જાય છે".

આ મુસીબત નિવારવા નો કોઈ માર્ગ ખરો? તો જવાબ છે હા.  વેસ્ટમિન્સ્ટર પદ્ધતિ અંતર્ગત જો છાયા મંત્રી ( shadow minister)  પદ્ધતિ લાગુ કરી શકીએ તો દરેક સરકારી નીતિ ની સામે વિપક્ષની પ્રતિનીતી ઉપલબ્ધ થાય. પ્રજા બંને ને મૂલવી શકે અને વિપક્ષ નો વિરોધ રચનાત્મક બને. ટીવી ચર્ચા માં વિપક્ષી પ્રવકતા  પોતાનો પક્ષ અસરકારકતા થી રાખી શકે અને સરકાર એ મુજબ ખરડાને બદલી પણ શકે. એક સાચા લોકતંત્ર નું નિર્માણ થાય. આની એક ઝલક ૨૦૧૪ ની મોદી સરકાર ના વિદેશમંત્રી સ્વ. સુષ્મા સ્વરાજ અને વિપક્ષના લોકસભા સભ્ય શશી થરૂર વચ્ચે ની લોકસભાની ચર્ચાઓમાં જોવા મળતી. જો વિપક્ષ પોતાના સંસદ સભ્યો માંથી દરેક મંત્રાલય માટે એક સભ્યને નામાંકિત કરે તો વિપક્ષની નીતિ પણ ઉજાગર થાય. દરેક ખરડો વધુ સશકત કાયદો બને. અને છલકે કંઈ નહિ તો આઈસ્ક્રીમ ખાતા પહેલા પણ સ્વાદ કરી જોતી જનતાને આવનારી ચૂંટણીઓમાં વિવેકપૂર્વક મતદાન કરવાનો મોકો મળે.

-સુષેણ વાસવભાઈ

No comments:

Post a Comment